બે કરોડ લખપતિ દીદી બનાવવાનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર કરવા વલસાડમાં નવી પહેલ.

SB KHERGAM
0



બે કરોડ લખપતિ દીદી બનાવવાનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર કરવા વલસાડમાં નવી પહેલ.

વલસાડના અટકપારડી ગામના સખી મંડળની બહેનો સરકારી ઈજનેરી કોલેજમાં ચલાવી રહી છે કેન્ટીન, વિદ્યાર્થીઓને રોજ પીરસે છે પૌષ્ટિક ભોજન 

સ્વરોજગારી મેળવી મહિલાઓ ‘‘આત્મનિર્ભર નારીથી આત્મનિર્ભર ગુજરાત’’ની પરિકલ્પના કરી રહી છે સાકાર

નાના મોટા ખર્ચાઓ માટે હવે મહિલાઓએ કોઈ પાસે હાથ લંબાવવો પડતો નથી.

 મિશન મંગલમ યોજના દ્વારા મહિલાઓએ મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું પુરૂ પાડ્યું ઉત્તમ દ્રષ્ટાંત 

બે કરોડ લખપતિ દીદી બનાવવાનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં સાકાર થઈ રહ્યું છે. વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીની મિશન મંગલમ યોજના દ્વારા વલસાડ તાલુકાના અટકપારડી ગામના સર્જનશીલતા સખી મંડળની બહેનોને સરકારી ઈજનેરી કોલેજમાં વિદ્યાર્થીઓ અને પ્રોસેફરો માટે કેન્ટીન ફાળવાતા મહિલાઓ આત્મનિર્ભર બનીને સ્વરોજગાર મેળવતી થઈ છે. 

 વડાપ્રધાનશ્રીની દીર્ઘદ્રષ્ટી અને સંવેદનશીલતાને કારણે મહિલાઓ સામર્થ્યવાન બની રહી છે. જેમાં વલસાડ તાલુકાની મહિલાઓએ મહિલા સશક્તિકરણ અને સ્વાવલંબનનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે. વલસાડ તાલુકાના અટકપારડી ગામની કેટલીક મહિલાઓ પહેલા માત્ર ઘરકામ પૂરતી જ સીમિત હતી પરંતુ મિશન મંગલમ યોજના હેઠળ ગામમાં સર્જનશીલતા સખી મંડળની સ્થાપના કરી આ બહેનોએ ઘરથી બહાર નીકળી સરકારશ્રીની વિવિધ યોજનાથી માહિતગાર થઈ લાભ મેળવ્યો છે. આ દરમિયાન વલસાડની સરકારી ઈજનેરી કોલેજના એસોસિએટ પ્રોફેસર એસ.વી.દમણિયાને વિચાર આવ્યો કે, કોલેજમાં અંદાજે ૧૮૦૦ જેટલા વિદ્યાર્થીઓ બહારગામથી અભ્યાસ માટે આવે છે જેઓને ભોજનની તકલીફ પડતી હોવાથી કોલેજ કેમ્પસમાં કાર્યરત કેન્ટીન સખી મંડળની બહેનોને ફાળવવામાં આવે તો વિદ્યાર્થીઓને કોલેજ કેમ્પસમાં જ પૌષ્ટિક અને શુધ્ધ આહાર મળી રહે સાથે સાથે વડાપ્રધાનશ્રીના મહિલા સશક્તિકરણના અભિયાનમાં પણ યોગદાન આપી શકીએ. જેથી તેઓએ જિલ્લા ગ્રામવિકાસ એજન્સી કચેરીનો સંપર્ક કરી આ પ્રસ્તાવ મુક્યો હતો. જેમાં અટકપારડીના સખી મંડળને કોલેજની કેન્ટીન ફાળવાઈ હતી. કેન્ટીનમાંથી થતી આવકમાંથી હવે મહિલાઓએ ઘર ખર્ચ માટે તેમજ બાળકોના શિક્ષણ માટે કોઈની સામે હાથ લાંબો કરવો પડતો નથી. પોતે પરિવારના ભરણપોષણમાં મદદરૂપ બની રહી છે. આ પહેલ મહિલા સશક્તિકરણમાં મોટુ યોગદાન તરીકે ગણાય રહી છે. જે માટે સરકારશ્રીની મિશન મંગલમ યોજના લાભદાયી પુરવાર થઈ છે. આમ, મહિલાઓ સ્વરોજગારી મેળવી ‘‘આત્મનિર્ભર નારીથી આત્મનિર્ભર ગુજરાત’’ની પરિકલ્પનાને ખરા અર્થમાં સાકાર કરી રહી છે.  


બોક્ષ મેટર 

ઘરની રસોઈ જેવો સ્વાદ આવે છે અને પોકેટમની પણ બચે છેઃ વિદ્યાર્થિની પલક મુંજાણી 

વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં કેમિકલ ડિપાર્ટમેન્ટના ચોથા વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પલક મુંજાણીએ જણાવ્યું કે, અમારી કોલેજમાં સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત કેન્ટીનમાંથી બજાર કરતા સસ્તા ભાવે શુદ્ધ અને પૌષ્ટિક જમવાનું મળી રહે છે. જેનો સ્વાદ ઘરની રસોઈ જેવો જ આવે છે. અહીં કીફાયતી ભાવે ભોજન મળતુ હોવાથી અમારી પોકેટ મની પણ બચે છે. સખી મંડળ દ્વારા સંચાલિત આ કેન્ટીનથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો મહિલા સશક્તિકરણનો ઉદેશ્ય પણ સાર્થક થઈ રહ્યો છે. 


બોક્ષ મેટર 

સખી મંડળની બહેનોને વ્યકિત દીઠ મહિને રૂ. ૧૦ હજારની આવક મળી રહી છેઃ લાઈવલીહુડ મેનેજર હર્ષદભાઈ  

વલસાડ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના વલસાડ તાલુકાના લાઈવલીહુડ મેનેજર હર્ષદભાઈ દેસાઈએ જણાવ્યું કે, દેશમાં ૨ કરોડ લખપતિ દીદી બનાવવાના વડાપ્રધાનશ્રીના સપનાને સાકાર કરવા માટે વલસાડ તાલુકાના અટકપારડી ગામના સખી મંડળને સરકારી ઈજનેરી કોલેજમાં કેન્ટીન ફાળવવામાં યોગદાન આપ્યું હતું. બહેનો આગળ વધે અને વડાપ્રધાનશ્રીનું સ્વપ્ન સાકાર થાય તે માટે મિશન મંગલમ પ્રોજેક્ટ અને સરકારી ઈજનેરી કોલેજના અથાગ પ્રયાસથી કેન્ટીન દ્વારા બહેનોને રોજગારી મળી છે. કોલેજના કુલ ૧૮૦૦ વિદ્યાર્થીઓ પૈકી ૮૫૦ વિદ્યાર્થીઓ આ કેન્ટીનનો લાભ લઈ રહ્યા છે. સખી મંડળની એક બહેન મહિને રૂ. ૧૦ હજારની આવક મેળવે છે.  

બોક્ષ મેટર  

વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજનની સાથે સારી આવક થતી હોવાનો આનંદઃ સખી મંડળ પ્રમુખ રેખાબેન પટેલ  



વલસાડ તાલુકાના અટકપારડી ગામના સર્જનશીલતા સ્વ સહાય જૂથ મંડળના પ્રમુખ રેખાબેન ધીરૂભાઈ પટેલે જણાવ્યું કે, મિશન મંગલમ યોજના હેઠળ ચાર માસ પહેલા સરકારી ઈજનેરી કોલેજમાં કેન્ટીન ચાલુ કરી હતી. પહેલા નાના ઓર્ડરથી શરૂઆત કરી હતી હવે કોલેજમાં સેમિનાર, મીટિંગ કે ટ્રેનિંગ હોય તો તેના પણ મોટા ઓર્ડર મળી રહ્યા છે. આ સિવાય અમે પાંચ બહેનો સવાર, બપોર અને રાત્રિ માટે વિદ્યાર્થીઓને પૌષ્ટીક ભોજન પીરસી રહ્યા છે. આ કેન્ટીન દ્વારા સારી આવક થઈ રહી છે. જેનાથી પરિવારને મદદરૂપ થઈએ છે. જે બદલ અમે બહેનો વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.  

બોક્ષ મેટર 

સખી મંડળની કેન્ટીનથી વિદ્યાર્થીઓને ફાસ્ટફૂડ ખાતા અટકાવી શક્યાઃ પ્રોફેસર એસ.વી.દમણિયા  

વલસાડ સરકારી ઈજનેરી કોલેજના કેન્ટીન ઈન્ચાર્જ અને એસોસિએટ પ્રોફેસર એસ.વી.દમણિયાએ જણાવ્યું કે, જિલ્લાના લાઈવલી હુડ ડિપાર્ટમેન્ટ સાથે સંકલનમાં રહી સખી મંડળ સાથે કેન્ટીનની શરૂઆત કરી છે. વિદ્યાર્થીઓ વધુમાં વધુ લાભ લઈ રહ્યા છે. કોલેજ મેઈન રોડથી દૂરના અંતરે હોવાથી રાત્રિ દરમિયાન વિદ્યાર્થિનોઓને જમવાની તકલીફ પડતી હતી, ખાસ કરીને ચોમાસા દરમિયાન બહાર જવાની ઘણી તકલીફ પડતી હતી. જે મુશ્કેલી હવે દૂર થઈ છે. બીજો અમારો મુખ્ય ઉદેશ્ય હતો કે, વિદ્યાર્થીઓને સાત્વિક અને શુધ્ધ ભોજન મળી રહે તે હતો. કારણ કે, આજના ફાસ્ટફૂડના જમાનામાં રોજ ફાસ્ટફૂડ ખાઈને હેલ્થ પર આડ અસર થાય છે તેનાથી પણ વિદ્યાર્થીઓને બચાવી રહ્યા છે. આ કેન્ટીન દ્વારા વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સાથે સાથે મહિલાઓને રોજગારી પણ મળી રહી છે. જે બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ. 

   આલેખનઃ જિજ્ઞેશ સોલંકી 

 માહિતી સ્રોત : માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૬ જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top