તમારી પાસે બે દુનિયા છે.: એક બહારની અને એક તમારી અંદરની

SB KHERGAM
0



કરોડો કોમનમેનને ફિલ્મોનું આકર્ષણ માત્ર એટલા માટે નથી હોતું કે એ ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકો પાસે પૈસા છે અને ગ્લેમર છે. ફિલ્મો (મોટાભાગની ફિલ્મો) તમને એક જુદા જ વિશ્વમાં લઈ જાય છે. જે વિશ્વની તમે માત્ર કલ્પના જ કરી શકો છો.

આ દુનિયાના કરોડો લોકો બે વિશ્વમાં જીવતા હોય છે. એક, એમનું વ્યવહારનું જગત. અને બે, પોતે જેવું જીવન જીવવા માગે છે તે જગત જે માત્ર પોતાની કલ્પનામાં જ હોય છે અને જેને સાકાર કરવા માટે ક્યારેક પ્રયત્નો થાય છે, કયારેક નથી થતા.કલ્પનાના વિશ્વને સાકાર કરવાના પ્રયત્નો ક્યારેક અધકચરા હોય છે તો ક્યારેક તનમનધનથી થતા હોય છે. આમાંથી કયા પ્રકારના પ્રયત્નોનું શુભ પરિણામ આવશે તે નક્કી નથી હોતું. ક્યારેક જીવની બાજી લગાવીને કરેલા પ્રયત્નો પણ નિષ્ફળ જતા હોય છે અને તમે તમારું ધારેલું વિશ્વ નથી સર્જી શકતા.

દરેક વ્યક્તિના આંતરિક વિશ્વમાં પોતાની જિંદગીને લઈને કેટલાંક સપનાં હોય છે. આ કાલ્પનિક વિશ્વમાં પૈસાને લગતી, સંબંધોને લગતી, આસપાસના સમાજને લગતી, દેશ-દુનિયાને લગતી વિભાવનાઓ સંઘરાયેલી હોય  છે. નાનપણથી છેક મોટી ઉંમર થાય ત્યાં સુધી આ વિભાવનાઓમાં ઉમેરા-બાદબાકી થતાં રહે છે, એમાં વધઘટ થવાની સાથે એની દિશાઓમાં પણ પરિવર્તન આવતું રહે છે. કોઈ એક ઉંમરે તમે પૈસાની બાબતમાં જે કલ્પના કરી હોય તે વખત જતાં બદલાઈ પણ જાય. સંબંધો, સમાજ, મિત્રો વગેરે વિશેની કલ્પનામા પણ પરિવર્તનો આવતાં રહે.

માણસમાં વધુ ને વધુ, હજુ વધુ જીવવાની જે લાલસા હોય છે, જિજીવિષા હોય છે તે એના આંતરિક વિશ્વમાં એણે સર્જેલા જગતને કારણે હોય છે. આ આંતરિક જગતની મનોહારી કલ્પનાઓને કારણે એને વ્યવહારનું જગત વધારે તીવ્રતાથી જીવવા જેવું લાગે છે. કેટલાક માટે આ બાહ્ય જગતની, વ્યવહારૢ દુનિયાની પીડાદાયક ઘટનાઓ આંતરિક જગતમાં થતી કલ્પનાઓને લીધે વધુ સહ્ય બની જતી હોય છે.

બે જગતમાં સમાનાંતરે વિહરવાનો આ ખેલ આજીવન ચાલતો રહે છે. તમારી કલ્પનાઓને સર્જવામાં જેમ ફિલ્મોનો ફાળો હોય છે તેમ પુસ્તકોનો, પ્રવચનોનો અને અન્ય વ્યક્તિઓ સાથે થતી વાતચીતોનો પણ ફાળો હોય છે.

કોઈ મિત્ર પાસેથી તમે અગાઉથી સાંભળ્યું કે અમુક રેસ્ટોરાંમાં જઈને આ વાનગી ખાવા જેવી છે. કોઈએ કહ્યું કે ભારતની કે વિદેશની ફલાણી જગ્યાએ ન ગયા ત્યાં સુધી જીવન અધૂરું છે. તમારા કલ્પનાના વિશ્વમાં આ બધું ઉમેરાઈ જશે. કોઈ પુસ્તકમાં તમે વાંચ્યું કે પેલા મહાન પુરુષે જીવનમાં આટલાં પગલાં લીધાં એટલે દુનિયાભરમાં સદીઓ પછી પણ તેઓ પૂજાય છે. તમને એવા બનવાનું મન થશે. એમના એ ગુણો તમારા કાલ્પનિક વિશ્વમાં એ રીતે ઉમેરાઈ જશે કે જાણે હવે તમારે વ્યવહારની દુનિયામાં એવા જ બનવાનું છે. કોઈ સંતના પ્રવચનમાં તમે જીવન  વિશે કશુંક સાંભળો છો કે કોઈ  ફિલ્મમાં તમે આદર્શ રોમાન્સની પળો પડદા પર નિહાળો છો ત્યારે તમને એ શબ્દો, એ પળો તમારા પોતાના જીવનમાં ઊતરે એવી અભિલાષા જીવતી હોય છે. તમારા કાલ્પનિક જગતમાં એ વાતોને ઉમેરીને તમે એને વધારે સમૃદ્ધ કરો છો.

તમારી વ્યવહારની દુનિયા અને તમારી કલ્પનાની દુનિયા- આ બે એકમેકથી તદ્દન નોખી જ હોય એવું જરૂરી નથી; અને એકમેક સાથે એનો હન્ડ્રેડ પર્સેન્ટ મેળ પડતો હોય એવું પણ નથી. વ્યવહારની દુનિયાના અનુભવો તમારી કાલ્પનિક દુનિયાને ફાઈન ટ્યુન કરતા રહે છે; અને કાલ્પનિક દુનિયામાં ઉછળતાં મોજાં ક્યારેક તમારી વ્યવહારિક દુનિયામાં ભરતી-ઓટ સર્જતાં રહે છે.

તમારા આંતરિક જગતમાં સર્જાયેલી કલ્પનાની દુનિયાનું ઘણું મહત્ત્વ છે. એમાં ક્યારેક શેખચલ્લી જેવા વિચારો પણ પ્રવેશી જાય. વ્યવહારુ જગત ભલે એ વિચારોને ‘ભેંશ ભાગોળે અને છાશ છાગોળે’ કહીને વગોવે, પણ આ દુનિયાને આગળ વધારતાં અનેક કામ આવા શેખચલ્લી વિચારોને કારણે થતાં હોય છે. તમારા કાલ્પનિક જગતના વિચારોને તમે વ્યવહારની કસોટીની એરણ પર મૂકો, ભઠ્ઠીમાં બરાબર તપાવીને જુઓ તે પછી જ નક્કી થાય વ્યવહારની દુનિયામાં કંઈક નવું સર્જી શકવાની ક્ષમતા ધરાવતા વિચારો હતા.

માત્ર કલ્પનામાં રમ્યા કરતા ઘોડાઓને જો તમે બહારની દુનિયામાં ન લાવો ત્યાં સુધી તમે જાણી શકતા નથી કે તમારા એ ઘોડા ટાંગામાં જોડવાને લાયક છે, ડર્બીની રેસમાં દોડાવવાને લાયક છે કે પછી અશ્વમેધ યજ્ઞમાં ભાગ લેવાને લાયક છે.

કલ્પનામાં સર્જાતા વિશ્વનું મહત્ત્વ છે, ગજબનું મહત્ત્વ છે, કારણ કે વ્યવહારના જગતમાં જે કંઈ બને છે તેનું ઉદ્ભવસ્થાન કલ્પનાનું જગત હોય છે. કલ્પનાજગત વિનાનો માણસ શું જીવન જીવતો થઈ જાય છે. કલ્પનાનું વિશ્વ જેણે વસાવ્યું છે એ વ્યક્તિ લીલીછમ રહે છે, વ્યવહાર જગતના ધક્કાઓને સ્વીકારી લેવાનું શોક એબ્ઝોર્બર આપોઆપ એની પાસે આવી જાય છે.

પોતાના કલ્પનાજગત વિશે કોઈને કહ્યા વિના ચૂપચાપ વ્યવહારજગતમાં જીવતો માણસ અંદરથી હર્યોભર્યો રહે છે અને કોઈને એણે પોતાની અંદર રહેલા જગત વિશે ક્યારેય કશું ન કહ્યું હોય તો નિર્ભિક પણ રહે છે – એ જગત સાકાર ન થાય તો લોકો એની મજાક ઉડાવશે એવો કોઈ ડર એને નથી હોતો.

ફિલ્મો જોતી વખતે, પુસ્તકો વાંચતી વખતે, પ્રવચનો સાંભળતી વખતે કે કોઈક તમારી સામે પોતાના એવા અનુભવો શૅર કરતું હોય જે હજુ સુધી તમારા જીવનમાં આવ્યા નથી. આવા દરેક સમયે હવેથી તમે સભાન રહેજો. આ તમામ વાતો તમારા કલ્પનાજગતમાં ઉમેરવાની છે, તમને સમૃદ્ધ કરવાની છે, તમારા વ્યવહારજગતને છલોછલ કરવાની છે. 

- સાયલન્સ પ્લીઝ!

ઝેરનો પ્રશ્ન ક્યાં છે, ઝેર તો હું પી ગયો આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો.

 -ખલીલ ધનતેજવી

www.facebook.com/Saurabh.A.Shah


Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top