માંડવી ખાતે તા.૯મી ઓગષ્ટ ‘વિશ્વ આદિવાસી દિન’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે: આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિ

SB KHERGAM
0

 માંડવી ખાતે તા.૯મી ઓગષ્ટ ‘વિશ્વ આદિવાસી દિન’ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે: આદિજાતિ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિ

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના આયોજન અંગે માંડવી ખાતે બેઠક યોજાઇ

આગામી તા. ૦૯મી ઓગષ્ટના રોજ યોજાનારા વિશ્વ આદિવાસી દિનની માંડવી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે એમ રાજયના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજયમંત્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું. 

     માંડવી તા.પંચાયતના સભાખંડમાં આગામી વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના આગોતરા આયોજન અંગે યોજાયેલી બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓને માર્ગદર્શન આપતા મંત્રી કુંવરજીભાઇએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં તા. ૦૯મી ઓગષ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવામાં આવે છે. રાજય સરકાર દ્વારા પણ આદિવાસી અસ્મિતાને ઉજાગર કરવા માટે રાજયમાં આદિજાતિ સમાજની વચ્ચે જઇને આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં સામેલ થનારા આદિજાતિ સમાજના લોકોને કોઇ મુશ્કેલી ન પડે એ પ્રકારની સુવિધાઓ કરવા માટે મંત્રીએ વહીવટીતંત્રને સૂચના આપી હતી. 

        માંડવી ખાતે યોજાનારા કાર્યક્રમ અંગેનું સ્થળ નકકી કરવા તથા નિયત સ્થળે તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ થાય એ માટે અધિકારીઓ અને પદાધિકારી પરસ્પર સંકલનમાં રહી તૈયારી કરે એવી અપેક્ષા મંત્રીશ્રીએ વ્યકત કરી હતી. 


           તેમણે કાર્યક્રમના સ્થળે સભામંડપ, બેઠક અને પીવાના પાણીની વ્યવસ્થા કરવા અંગે પણ વિગતે ચર્ચા કરી ખાસ કરીને કાર્યક્રમમાં સહભાગી થનારા આદિવાસી સમાજના લોકો કે જેઓ પોતાના વાહનો લઇને આવશે તેમના માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા તેમણે પોલીસ વિભાગને સૂચના આપી હતી. 

         વધુમાં તેમણે કાર્યક્રમ દરમિયાન આદિવાસી સમાજની સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવા માટે વિગતે માર્ગદર્શન આપ્યું હતું. 

        બેઠકનું સંચાલન અને આભારવિધિ માંડવીના પ્રાંત અધિકારી કૌશિકભાઇ જાદવે કરી હતી. બેઠકમાં પ્રયોજના વહીવટદાર, સુરતના નાયબ વન સંરક્ષક આનંદકુમાર, તાપીના નાયબ વન સંરક્ષક પુનિત નૈય્યર, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરતના નિયામક એમ.બી.પ્રજાપતિ, તાપી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેકટર, વ્યારા પ્રાંત મિતેશભાઇ પટેલ, તાપીના નાયબ પોલીસ અધિક્ષક પી.જી.નરવાડે, માંડવીના નાયબ પોલીસ અધિક્ષક, તા. વિકાસ અધિકારી માંડવી, સોનગઢ મામલતદાર નલિનીબેન, જિલ્લા-તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ, વરિષ્ઠ અધિકારીઓ, માંડવી તાલુકાના સરપંચો અને સંબંધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top