સખી વન સ્ટોપ સેન્ટર ખરા અર્થમાં મહિલા અને કિશોરીઓની સખી બની, પાંચ વર્ષમાં ૧૦૦૨ મહિલાઓને મદદ કરી.

SB KHERGAM
0

 


સખી વન સ્ટોપ સેન્ટર ખરા અર્થમાં મહિલા અને કિશોરીઓની સખી બની, પાંચ વર્ષમાં ૧૦૦૨ મહિલાઓને મદદ કરી.

--- કેન્દ્ર સરકાર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર યોજનાને વલસાડ જિલ્લામાં આજે તા. ૭ જાન્યુ.એ પાંચ વર્ષ પૂર્ણ થયા 

--- હિંસાથી પીડિત મહિલાઓને જરૂરી સેવાઓ તાત્કાલિક ધોરણે એક જ છત નીચે પૂરી પાડવામાં આવે છે.

હિંસાથી પીડિત મહિલાઓને તમામ પ્રકારની જરૂરી સેવાઓ તાત્કાલિક ધોરણે એક જ સ્થળેથી મળી રહે તે માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી કેન્દ્ર પુરસ્કૃત સખી વન સ્ટોપ સેન્ટર યોજના વલસાડ ખાતે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના તાબા હેઠળ વલસાડની સિવિલ (જીએમઈઆરએસ) હોસ્પિટલ ખાતે બ્લોક નં. બે માં ત્રીજા માળે તા. ૭ જાન્યુ. ૨૦૧૯થી શરૂ કરવામાં આવ્યું હતું. આ સેન્ટરના પાંચ વર્ષ આજે તા. ૭ જાન્યુ.એ પૂર્ણ થઈ રહ્યા છે. ત્યારે આ સેન્ટર પાંચ વર્ષમાં ૧૦૦૨ પીડિત મહિલા, કિશોરીઓ અને યુવતીઓને મદદ કરી તેમનું જીવન બચાવવામાં વિશેષ યોગદાન આપ્યું છે. 

ખાનગી અને જાહેર સ્થળોએ થતી હિંસાથી પીડિત મહિલાઓને ૩૬૫ દિવસ એક જ સ્થળે તમામ પ્રકારની સહાય મળી શકે તેવા ઉદેશ્ય સાથે આ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી. જ્યાં હિંસાથી પીડિત મહિલાઓને હિંસાના ઉપાય માટે તબીબી, કાયદાકીય, મનોવૈજ્ઞાનિક પરામર્શ, પોલીસ સહાય જેવી સેવાઓ તાત્કાલિક મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. હિંસાથી પીડિત મહિલાઓને વિના મૂલ્યે અને હંગામી ધોરણે તાત્કાલિક આશ્રય મળે તે સુનિશ્ચિત કરવામાં આવે છે. ઘરમાં, સમાજમાં અથવા કાર્ય સ્થળે થતી હિંસા સામે તમામ પ્રકારની સેવા પુરી પાડવામાં આવે છે. મહિલાઓ-કિશોરીઓ સમાજમાં શારીરિક, જાતિય, ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક અને આર્થિક હિંસાનો ભોગ બને છે. જેના કારણે લિંગભેદ, સ્ત્રીભૃણ હત્યા, ડાકણ પ્રથા, ઘરેલું હિંસા અને એસિડ એટેક જેવી હિંસાઓનો ભોગ બનેલી મહિલાઓને સેવા પુરી પાડવામાં આવે છે. કોઈ પણ હિંસાથી પીડિત કોઈ પણ ઉંમરની પીડિત મહિલા આ યોજનાનો લાભ લઈ શકે છે. પીડિત મહિલાને કાયદાકીય માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા સરકારી વકીલ પૂરા પાડવામાં મદદગાર બને છે. પાંચ દિવસ સુધી હંગામી આશ્રય આપવામાં આવે છે. જે દરમિયાન રહેવા, જમવાની તેમજ જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ વિના મૂલ્યે આપવામાં આવે છે. તબીબ સહાય જેવી કે, લેબોરેટરી, એક્સ-રે, ઈમરજન્સી સારવાર, સોનોગ્રાફી વગેરે સેવા, અભયમ મહિલા હેલ્પ લાઈન દ્વારા રેસ્કયુ વાનમાં પીડિતાને સેન્ટર પર લાવવી, પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે મદદ અને પીડિત મહિલાનો આત્મવિશ્વાસ વધે તે માટે મનોવૈજ્ઞાનિક પરામર્શની સેવા પુરી પાડવામાં આવે છે. આમ, પાંચ વર્ષ દરમિયાન ૯૭૩ મહિલા અને ૨૭ કિશોરીને મદદ પુરી પાડી તેમના કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યુ હતું. આ સિવાય સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા પાંચ વર્ષમાં કુલ ૫૯૭ નાના મોટા કાર્યક્રમોમાં હાજરી આપી અંદાજિત ૩૬૨૭૩ લોકોને સરકારના સખી વન સ્ટોપ સેન્ટરની માહિતી પુરી પાડવામાં આવી હતી. 

બોક્ષ મેટર 

પાંચ વર્ષમાં પીડિત મહિલાઓને કરાયેલી મદદની આંકડાકીય વિગત 

વર્ષ  કુલ કેસ 

૨૦૧૮-૧૯  ૫૧

૨૦૧૯- ૨૦ ૧૮૭

૨૦૨૦-૨૧  ૧૫૩

૨૦૨૧-૨૨  ૧૬૯

૨૦૨૨-૨૩  ૨૫૪

૨૦૨૩-૨૪  ૧૮૮

કુલ  ૧૦૦૨

  માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૬ જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top