નેસેયર્સ યાને કિ હવનમાં હાડકાં નાખનારા માણસો.| સૌરભ શાહ

SB KHERGAM
0

  નેસેયર્સ યાને કિ હવનમાં હાડકાં નાખનારા માણસો.

તમે કંઈ પણ કરો જિંદગીમાં – કેટલાક તો વગર બોલાવ્યે આવી જ જવાના છે, તમને કહેવા માટે કેઃ આ વળી શું કરો છો તમે ? અંગ્રેજીમાં એમને નેસેયર્સ (naysayers) કહે છે- સતત કંઈ ને કંઈ વાતે ખોડખાંપણ કાઢતા રહે, તમારો વિરોધ કરતા રહે, તમારી ટીકા કરતા રહે. તમે કહેશો, આ પૂર્વ છે તો આ નેસયર્સ કહેશે કે આ તો પશ્ચિમ છે, તમે કહેશો કે આ પશ્ચિમ છે તો માળા બેટાઓ કહેશે કે આ પૂર્વ છે.

આવા અક્કલના બારદાનો સાથે સૌ કોઈને પનારો પડતો હોય છે. દરેકને પોતપોતાના ગજા મુજબના નેસેયર્સનો સામનો કરવો પડે છે. એ લોકોનું કામ જ આ હોય છે– વિરોધ કરવાનું વાંકું પાડવાનું. પોતાની મહત્તા બતાવવા તમારી ટાંગખેંચ કરવાનું,

આ ટીકાકારો કંઈ વિશ્લેષકો નથી હોતા. તેઓ તમારા કોઈ મુદ્દાનો સંદર્ભ આપીને વિરોધના પુરાવા નથી લાવતા. એમને તમારો વિરોધ કરવો હોય છે. નાનપણમાં એ લોકો ઝઘડો કરતા હશે ત્યારે તું નહીં તો તારો બાપ, એ નહીં તો તારો પડોશી, એ નહીં તો તારા પડોશીનો બાપ એ લેવલના ઝઘડા કરતા હશે.

રામાયણ-મહાભારતના જમાનામાં એ લોકો દાનવો અને રાક્ષસો ગણાતા. શુભ કાર્ય નિમિત્તે ઋષિઓનો આશ્રમમાં હવન થાય ત્યારે એ લોકો હવનમાં હાડકાં નાખીને પવિત્ર કાર્યને અભડાવવા આવી જતા, ઋષિમુનિઓએ પરોપકારી રાજાઓને વિનંતી કરીને એમના પ્રતાપી રાજકુમારોને હવનની રક્ષા કાજે બોલાવવા પડતા.

તમે ઋષિ નથી, મુનિ નથી, કોમન મેન છો. તમને રાજકુમારોની સિક્યોરિટી સિસ્ટમ મળે એમ નથી. તમારે પોતે જ હવન કરતી વખતે તીરકામઠાં સાથે લઈને બેસવું પડશે.

તમે કોઈ પણ કાર્ય કરશો, તમારી ટીકા થવાની જ છે. તમારા મોઢે નહીં તો તમારી પીઠ પાછળ થશે. કદાચ તમારા સુધી એ ટીકા પહોંચે પણ નહીં. પણ થવાની જ એટલું જ નક્કી.

શું કરવું તમારે ? દર વખતે એમને ઈગ્નોર કરવાનું પોસાય નહીં. એમને તમારો યજ્ઞ અપવિત્ર કરતાં રોકવા તો પડે. નહીં રોકો તો એમના સિવાય બીજા પણ એમના જેવા ઘણા આવી પહોંચી હાડકાં લઈને.

આની સામે, જો તમે યજ્ઞમાં બેઠાં બેઠાં તીરકામઠાં જ ચલાવ્યા કરશો તો મંત્રોચ્ચારમાં તમારું ધ્યાન નહીં રહે, સમયસર આહુતિ આપવાનું ચૂકી જવાશે. શું કરવું?

મારી પાસે એક ફોર્મ્યુલા છે. તમારે તમારો હવન, તમારા યજ્ઞ જાહેરમાં નહી કરવાના. તમારા એકાંતમાં અથવા તો તમારા પંદર અતિ વિશ્વાસુ લોકો હોય એમની જ હાજરીમાં કરવાના. દાનવો- રાક્ષસો-નેસેયર્સ માટે સ્ટ્રિકટલી નો-એન્ટ્રી. 

પણ બધાં જ યજ્ઞકાર્યો એ રીતે કરવાનું દરેક વખતે શક્ય નથી હોતું.તે વખતે શું કરવું  તમારે ?

એનો જવાબ આપતાં પહેલાં તમને કહી દઉં કે નેસેયર્સને તમે મિટાવી શકવાના નથી, માત્ર દૂર રાખી શકો એમ છો, કારણ કે એ પ્રજાતિ વાંદા જેવી, કોક્રોચ જેવી છે. દુનિયા આખી અણુયુદ્ધ કે પછી એવા કોઈ વિનાશક સંહારમાં નષ્ટ પામશે તો પણ આ જગતમાં કોક્રોચનું અસ્તિત્વ રહેશે એવું વૈજ્ઞાનિકો માને છે. આ વાંદાઓ તમે કંઈ પણ કરશો, તમને સતાવશે જ. તમે જે કંઈ કાર્ય કરો છો તે કરતાં બંધ થઈ જાઓ એવો એમનો હેતુ  હોય છે. તમે એમનાથી આમથી છટકવા જશો તો તેઓ તમને તેમથી અટકાવશે. એમનો હેતુ જ હોય છે કે કંઈ પણ કરીને તમને તમારું કામ કરતાં સાથે ઊઠબેસ ન કરું, આમનાં વખાણ ન કરું કે તેમની ટીકા ન કરું- તમે આ નેસેયર્સ નચાવે અમ નાચતા થઈ જાઓ એ જ તો એમનો હેતુ હોય છે. તમારી ચાલ, તમારા જીવનની રિધમ, તમારા થિંકિંગની દિશા ખોરવાઈ જાય એવું જ તો તેઓ ચાહે છે. 

તો શું કરવું તમારે? પ્રશ્ન આ હતો. શું કરવું? પહેલી વાત તો તમે જે કરી રહ્યા છો, જે કરવા ધારો છો તે કરતા રહો. પેલો શું કહેશે, હવે હવનમાં નાખવા માટે એ કયાં હાડકાં લાવશે એની ફિકર કર્યા વિના તમે તમારા રસ્તે લાંબાં પગલે ચાલતાં રહો. તમારી ચાલ ન બદલો, ન તમારી દિશા, જીવનમાં આજે અને આવતી કાલે તમે જે કરવા માર્ગો છો તેના પ્લાનિંગમાં જરા સરખો ફેરફાર, એ રાક્ષસો-દાનવોને ધ્યાનમાં રાખીને કરવાની જરૂર નથી. તમારું ધ્યાનભંગ કરવા માટે આ રાક્ષસો તરફથી અપ્સરાના વેશમાં આવેલી રાક્ષસણીઓથી ચલિત થવાની પણ જરૂર નથી. તમારું ધ્યાન તમારા કામમાં જ પરોવાયેલું રહે, સહેજ ક્યારેક ખોરવાયું તો તરત જ પાછું પાટે ચડી જાય એની સતત કાળજી રાખવાની જવાબદારી તમારી છે, તમારા એકલાની જ છે.

નેસેયર્સને અવગણો છો ત્યારે તેઓ ચઢી વાગે છે એવું લાગે ત્યારે વચ્ચે થોડાક સમય પૂરતું એકે-૪૭નો સપાટો બોલાવીને તમારા કામમાં પાછા જોતરાઈ જવું. એક જમાનામાં ફ્લીટનો પંપ ઘરમાં રાખતા. વાંદા જેવી જીવાતોને મારવા એ પંપમાં બેગોન જેવી દવા ભરીને છાંટતા, પછી કંઈ ગણવા નહોતા બેસતા કે કેટલી જીવાતો મરી. જે ન મરી હોય તેના પર ઝાડુની ઝાપટો લાગતી. પછી તરત જ સાબુથી હાથ ધોઈને તમે તમારું કામ કરવા બેસી જતા. ચોવીસે કલાક વાંદા મારવાનો ઉપક્રમ નહોતો ચાલતો.

કવિ જ્હૉન ડ્રાયડનની આ પંક્તિ ઘણી જાણીતી છેઃ 'બીવેર ધ ફ્યુરિ પાંચ-ઓફ અ પેશન્ટ મેન.' બચ્ચનજીએ એક વખત વાપરી હતી. વારંવાર વાપરવા જેવી છે.

સહનશીલ વ્યક્તિના મનમાં ધરબાયેલા જ્વાળામુખીને લલકારતા નહીં. અત્યારે ભલે હું શાંત દેખાઉં છું, પણ મારી જોડે તમારે લોકોએ ઝાઝી લપ્પન-છપ્પન કરવાની નહીં. કરી છે તો આવી બનશે તમારું. હમાસ જો ઈઝરાયલની છૂંછી કરવા જશે તો ઈઝરાયલ હમાસનો ઘડોલાડવો એક કરી નાખશે એવી આ વાત છે.

નેસેયર્સને, વાયડીનાઓને, વાયડીનાઓને, રાક્ષસો- દાનવોને ચૂપ કરવાનો, તમારાથી દૂર રાખવાના બે જ ઉપાય છેઃ એક, ફૂંફાડો રાખવાનો અને ક્યારેક દંશ પણ દેવાનો, જાહેરમાં એમને નિર્વસ્ત્ર કરી નાખવાના અને બે, તમારું કામ અટક્યા વિના સતત ચાલુ રાખવાનું.

આ દુનિયા તમારા ઈશારા પ્રમાણે ચાલતી નથી, ચાલવાની પણ નથી. એનો અર્થ એ પણ નથી કે તમારે આ દુનિયાના ઈશારે ચાલવાનું હોય.

  ક્રેડિટ : સંદેશ રવિપૂર્તિ (કોલમ તડકભડક)

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top