ડાંગ જિલ્લામાં ‘વિકાસ સપ્તાહની ઉજવણી’ અંતર્ગત જિલ્લાની ૭૪ શાળાઓમાં વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને મહિલા સશક્તિકરણ અંગેનો વર્કશોપ યોજાયો :
‘વિકાસ સપ્તાહની ઉજવણી’ : જિલ્લો ડાંગ
વિકસિત ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા વિદ્યાર્થીઓએ પ્રતિજ્ઞા ગ્રહણ કરી
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૦: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિની ગાથા જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાં તા.૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે.
‘વિકાસ સપ્તાહ’ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે ડાંગ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહી વિવિધલક્ષી કાર્યક્રમો જિલ્લાની તમામ શાળાઓમાં યોજાઇ રહ્યા છે.
જે કાર્યક્રમ અંતર્ગત ડાંગ જિલ્લાના આહવા,વઘઇ અને સુબીર તાલુકાની વિવિધ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા આપવામાં આવેલ આયોજન મુજબ જિલ્લાની તમામ શાળામાં તારીખ ૭ ઓક્ટોબર ૨૦૨૪ ના પ્રથમ દિને ૨૩ વર્ષની સર્વગ્રાહી યાત્રાની ગાથાને લોકો સુધી લઈ જવા માટેની ‘વિકાસ સપ્તાહ’ ની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
તેમજ તારીખ ૮ ઓક્ટોબર ૨૦૨૪ ના રોજ શાળાઓમાં નિબંધ સ્પર્ધા અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ભાગીદારી નોધાવી હતી. તેમજ તારીખ ૯ ઓક્ટોબર રોજ વિવિધ શાળાઓમાં મહિલા સશક્તિકરણ અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતુ. જેમાં જિલ્લાની ૭૪ શાળાના વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગીદારી નોંધાવી હતી.