Dang: નવરાત્રિમા વાસુર્ણાના તેજસ્વિની સંસ્કૃતિ ધામનો સેવાયજ્ઞ
(ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૦: વાસુર્ણાના તેજસ્વિની સંસ્કૃતિ ધામ દ્વારા નવરાત્રિના પાવન પર્વે સહયોગ માનવ સેવા ટ્રસ્ટના સહયોગથી જરૂરિયાતમંદોને કપડા વિતરણ કરવાનુ સેવાકાર્ય હાથ ધરાયુ હતુ.
બ્રહ્મવાદિની હેતલદીદીની પ્રેરણા અને પ્રોત્સાહનથી સુરતના 'સહયોગ માનવ સેવા ટ્રસ્ટ' તરફથી વાસુર્ણા સહિત મહારાયચોંડ, બારીપાડા, જાખાના, ધૂમખલ, ચીરાપાડા, મોટા ચર્યા, લહાન ચર્યા વિગેરે ગામોમા આશરે ૩૫ હજાર નંગ કપડાનુ વિતરણ કરાયુ હતુ.
નવરાત્રિના પાવન પર્વે હાથ ધરાયેલા આ સેવાકાર્યમા હેતલદીદીના માર્ગદર્શન હેઠળ 'સહયોગ માનવ સેવા ટ્રસ્ટ'ના સેવાકર્મી સર્વશ્રી રાજેન્દ્રસિંહ શેખાવત (સમાજ સેવક), રાજકુમાર સિંહ (બીજેપી નેતા), રામુભાઈ પ્રજાપતિ (પત્રકાર), સૂચિતભાઈ તથા સેવાભાવી મિત્રો, તેમજ તેજસ્વિની આશ્રમના સર્વશ્રી ધનસુખભાઈ, અશ્વિનભાઈ, જયેશભાઈ, મોહનભાઈ, કલ્પેશભાઈ તેમજ રતનભાઇ ધર્મવીર જેવા સહ કાર્યકર્તાઓએ સહયોગ પૂરો પાડ્યો હતો.