છોટાઉદપુર : નારી વંદન ઉત્સવ અંતર્ગત છોટાઉદેપુર ખાતે "બેટી બચ્ચાઓ, બેટી પઢાઓ દિવસ"ની દિવસની ઉજવણી કરવામાં આવી
*છોટાઉદેપુર, શુક્રવાર ::* "નારી વંદન ઉત્સવ" સપ્તાહ અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર હસ્તકની જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી,છોટાઉદેપુર દ્વારા છોટાઉદેપુર સ્થિત દરબાર હોલ ખાતે "બેટી બચાવો બેટી પઢાઓ દિવસ"ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલે જણાવ્યું હતું કે, દીકરીઓ ભણી ગણીને આગળ વધે તે માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવાઈ છે. પહેલાના સમયમાં મહિલાઓએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો. જ્યારે હવે સરકાર દ્વારા દીકરીના જન્મથી લઈને શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, કારકિર્દી તમામ બાબતોની દરકાર રાખવામાં આવી રહી છે.
આ કાર્યક્રમ દરમિયાન મહિલા અને કિશોરીઓને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તથા મહિલા હેલ્પલાઇન અભયમ અને સખી વન સ્ટોપ સેન્ટર અંગે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રસંગને અનુરૂપ પરંપરાગત નાટક રજૂ કરવામાં આવ્યું હતું તથા વ્હાલી દીકરી યોજનાના લાભાર્થીઓને હુકમ પત્રો આપવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મહિલા અને બાળ કચેરી તથા સબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ, પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓ અને કિશોરીઓ ઉપસ્થિત રહી હતી.