Tapi news : ઉચ્છલ તાલુકાના હરીપુર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને 'પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન' યોજાયું.

SB KHERGAM
0

 

Tapi : ઉચ્છલ તાલુકાના હરીપુર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને 'પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન' યોજાયું.

પ્રાકૃતિક ખેતીથી ધરતી માતાને બચાવવાના મહાયજ્ઞમાં તાપીના ખેડૂત ભાઈ-બહેનોએ તપ કરવું પડશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી 

- રાજ્યપાલશ્રીએ તાપી જિલ્લાના ખેડૂતો સાથે સાધ્યો પ્રાકૃતિક ખેતી અંગે સંવાદ.

- રાજ્યપાલશ્રીના હસ્તે પ્રગતિશીલ ખેડૂત મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા.

- પ્રાકૃતિક કૃષિથી જ આપણી જમીન ઉપજાઉ બની શકશે.

- તાપી જિલ્લાના હર્યાભર્યા ખેતરો જોઇને ખ્યાલ આવે છે કે, તાપી જિલ્લાના ખેડૂતો ખુબ મહેનતુ અને પરિશ્રમી છે

- પ્રાકૃતિક ખેતીની તાલીમ આપતા અધિકારી/કર્મચારીઓ ખેતીના સૈનિકો છે :

-  પ્રાકૃતિક ખેતીના ઉત્પાદનો ડબલ ભાવે વેચાય છે. સંપુર્ણ પ્રાકૃતિક ખેતીને વરેલા ડાંગ જિલ્લા ઉત્પાદનોની માંગ વધી છે.

-  દેશી ગાયનું છાણ અને ગૌમુત્ર ધરતી માટે અમૃત છે. છાણ સૂક્ષ્મ જીવાણુનો ભંડાર છે. 

-  અળસિયા પોતાના જીવનચક્ર થકી ધરતીને ગુણવાન બનાવે છે. અળસિયા ખેડૂતના સાચા મિત્ર છે. 

(તાપી માહિતી બ્યુરો): વ્યારા: તા.૧૩: તાપી જિલ્લાના મહારાષ્ટ્ર રાજ્યને અડીને આવેલા સરહદી ઉચ્છલ તાલુકાના હરિપુરા ખાતે ધરતી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ-ઉચ્છલ, અને સુરત-તાપી જિલ્લા દુધ ઉત્પાદક સહકારી સંઘ (સુમુલ ડેરી)નાં સંયુકત ઉપક્રમે  રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ મહિલા સંમેલન યોજાયું હતું.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જનમેદનીને ઉદ્બોધન કરતાં જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના હર્યાભર્યા ખેતરો જોઇને ખ્યાલ આવે છે કે, તાપી જિલ્લાના ખેડૂતો ખુબ મહેનતુ અને પરિશ્રમી છે.  મહિલાઓની ભાગીદારી તમામ ક્ષેત્રોમાં અગત્યની રહી છે ત્યારે, મહિલાઓ પ્રાકૃતિક ખેતી અપનાવે તે જરૂરી છે એમ ઉમેરી, યુરિયા-ડીએપી જેવા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના બેફામ ઉપયોગના કારણે ધરતી બીનઉપજાઉ બની છે એમ જણાવ્યું હતું.

તેમણે પ્રાકૃતિક ખેતીને લોકો જૈવિક ખેતી સમજી લે છે, રાજ્યપાલશ્રીએ લોકોની ગેરસમજ દુર કરી પ્રાકૃતિક ખેતી અંગે વિગતવાર જાણકારી આપી પ્રાકૃતિક ખેતીના પાંચ આધારસ્તંભથી સૌને અવગત કરાવ્યા હતા. તેમણે પોતાના અનુભવો વર્ણવી કહ્યું કે, પ્રાકૃતિક ખેતીથી જમીનની ગુણવત્તા વધે અને તેના કારણે ઉત્પાદનમાં વધારો થાય. જેના થકી ખેડૂતોની આવકમાં વધારો થાય છે. રાજયપાલશ્રીએ પોતાના ખેતરમાં એક એકરમાં 35 ક્વિન્ટલ ડાંગર પકવી છે, એમ ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું.  

રાજ્યપાલશ્રીએ દેશી ગાયનું પાલન કરવા ખાસ અનુરોધ કર્યો હતો. તેમણે ખેતી માટે દેશી ગાયના છાણ અને ગૌમુત્રનું વિશેષ મહત્વ છે એમ ઉમેર્યું હતું. દેશી ગાયના છાણ અને ગૌમુત્રને ધરતી માટે અમૃત ગણાવ્યું હતું. તેમણે અળસિયાને ખેડૂતનો મિત્ર ગણાવી અળસિયા ધરતીને ગુણવાન બનાવે છે. પ્રાકૃતિક ખેતીમાં અળસિયાના જીવનચક્રના મહત્વ અંગે સૌને અવગત કરાવ્યા હતા. 


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાસાયણિક ખાતરોના ઉપયોગથી પ્રાકૃતિક કૃષિની સમતુલા ખોરવાઇ રહી છે. આબોહવા ખરાબ કરવાનું કાર્ય રાસાયણિક ખેતી કરી રહી છે. ધરતીમાં ઝેર ભેળવાતા અનેક પ્રકારના રોગો ઘર કરી ગયા છે. આ તમામ રોગોનું મુળ જંતુનાશક દવાઓ છે, એમ રાજ્યપાલશ્રીએ કૃષિ પ્રત્યેની ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, સારા સ્વાસ્થ્ય માટે સ્વાસ્થ્યપ્રદ ખોરાક લેવો જરૂરી છે. તેમણે જંગલોનું ઉદાહરણ આપતાં ઉમેર્યું કે, આદિવાસીઓ જંગલોને દેવ માને છે. જંગલમાં જે વૃક્ષો હોય છે, તેમાં કોઇ જંતુનાશક કે ખાતરનો છંટકાવ નથી કરતા. તેમાં કુદરતી રીતે જ તમામ પ્રકારના પોષક તત્વો હોય છે. આ જ પ્રકારના તત્વો આપણી ખેતીમાં, અને આપણા ખેત ઉત્પાદનમાં ઉમેરાય.  તેમણે ભારપુર્વક ઉમેર્યું કે, પ્રાકૃતિક કૃષિથી જ આપણી જમીન ઉપજાઉ બની શકશે. 

ગુજરાતના નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા હોવાનું જણાવી રાજયપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીથી ધરતી માતાને બચાવવાના આ મહાયજ્ઞમાં તાપીના ખેડૂત ભાઇ બહેનોએ પણ તપ કરવું પડશે એમ કહીને તેમણે તમામ ધરતીપુત્રો આ અભિયાનમાં સક્રિય રીતે જોડાય તે માટે આહ્વાન કર્યું હતું. 

પ્રાકૃતિક ખેતી માટે જીવામૃત, ઘન જીવામૃત, નિમાસ્ત્ર, શતપર્ણી જેવા કુદરતી ઉપચારો આદરવા  રાજયપાલશ્રીએ પોતે લખેલા પુસ્તકમાં, પ્રાકૃતિક કૃષિની આપેલી પધ્ધતિઓને અનુસરવાનો પણ આ વેળા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં રાજ્યપાલશ્રી દ્વારા કુરુક્ષેત્ર ગુરુકુળમાં તેમના દ્વારા કરવામાં આવતી ખેતીની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ નિદર્શિત કરવામાં આવી હતી. જિલ્લાના પ્રાકૃતિક કૃષિ કરતા કૃષિકારોએ પોતાની સફળતાની વાત આ અવસરે રજૂ કરી હતી. આ પ્રસંગે રાજ્યપાલશ્રીના હસ્તે પ્રગતિશીલ ખેડૂત મહિલાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત પણ કરાયા હતા. 

દરમિયાન સુમુલ ડેરી સુરતના ચેરમેન શ્રી માનસિંહભાઈ કે.પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કર્યો હતો. તેમણે રાજયપાલશ્રીને આદર્શ ખેડૂત ગણાવી તેમના આદર્શો ઉપર ચાલવા ખેડૂતોને આહ્વાન કર્યું હતું.  આ સાથે તેમણે સુમુલ ડેરી દ્વારા તાપી જિલ્લામાં થતા કામકાજ અંગે રાજ્યપાલશ્રીને અવગત કર્યા હતા. 

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડો. સી.કે. ટિમ્બડીયાએ સ્વાગત પ્રવચન કરીને સંસ્થાકીય પ્રવૃત્તિની વિસ્તૃત વિગતોની જાણકારી આપી હતી. તથા પ્રાકૃતિક કૃષિની ઝુંબેશને ઉચ્છલ તાલુકાના તમામ ખેડૂતો આગળ ધપાવશે એમ રાજપાલશ્રીને ખાત્રી આપી હતી. કાર્યક્રમનું સંચાલન શ્રી અરવિંદભાઇ ગામીત દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમને સુપેરે પાર પાડવા ધરતી એકતા ચેરીટેબલ ટ્રસ્ટ પરિવાર અને ટ્રસ્ટી મંડળના મેનેજર શ્રી પિયૂષભાઈ એમ.વળવી, ઉપપ્રમુખ શ્રી નિતેશભાઈ ગામીત, અને પ્રમુખ શ્રી યોગેશભાઈ ગામીત સહિત ધરતી એકતા સંસ્થાના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. 

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી ડો. જયરામભાઈ ગામીત, શ્રી બળવંતભાઈ પટેલ, શ્રી સમીરભાઈ ભક્તા (ચેરમેન, મઢી સુગર), જિલ્લા કલેક્ટરશ્રી ડો. વિપીન ગર્ગ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વી.એન.શાહ તથા અન્ય મહાનુભાવો અને મોટી સંખ્યામાં મહિલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top