Valsad: જિલ્લા કક્ષાનો ૭૫મો પ્રજાસત્તાક પર્વ વાપીની પુરૂષ અધ્યાપન મંદિર કોલેજ ખાતે યોજાશે.

SB KHERGAM
0

 જિલ્લા કક્ષાનો ૭૫મો પ્રજાસત્તાક પર્વ વાપીની પુરૂષ અધ્યાપન મંદિર કોલેજ ખાતે યોજાશે. 

  • રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે કરાશે ધ્વજવંદન.
  • પરેડ નિરિક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, વૃક્ષારોપણ અને ઈનામ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાશે. 
  • જિલ્લા કક્ષાની સાથે તમામ તાલુકા કક્ષાએ રંગે ચંગે ઉજવાશે પ્રજાસત્તાક દિનનો રાષ્ટ્રીય પર્વ.

વલસાડ જિલ્લામાં આજે તા. ૨૬ જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય પર્વ એવા ૭૫માં પ્રજાસત્તાક દિનની રંગેચંગે ઉજવણી કરવામાં આવનાર છે. ત્યારે વલસાડ જિલ્લા કક્ષાએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાપી તાલુકાના બલીઠા ખાતે શ્રી કે.એચ.દેસાઈ, પુરૂષ અધ્યાપન મંદિર કોલેજ ખાતે કરાશે. રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ, કલાયમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ દેશની આન, બાન અને શાન સમાન રાષ્ટ્રધ્વજને સલામી આપી ધ્વજવંદન કરશે. જિલ્લા કક્ષાની સાથે સાથે તાલુકા કક્ષાએ તેમજ ગ્રામ્ય કક્ષાએ પણ વિવિધ કાર્યક્રમો યોજાનાર છે.

૨૬મી જાન્યુઆરીની ઉજવણી અન્વયે જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર તિરંગા જોવા મળી રહ્યા છે, તો લોકોમાં પણ રાષ્ટ્રભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. સરકારી ભવનો લાઈટથી સુશોભિત કરી દેવામાં આવ્યા છે, તો તમામ સ્થળોએ કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. વાપી ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં મંત્રીશ્રી મુકેશભાઈ પટેલના હસ્તે સવારે ૯ કલાકે રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાન કરાશે. ત્યારબાદ પરેડ નિરિક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, ઈનામ/પ્રમાણપત્ર વિતરણ, પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજાશે.   

વલસાડ જિલ્લા કક્ષાના કાર્યક્રમ ઉપરાંત તાલુકા કક્ષાએ પણ રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જે મુજબ, વલસાડ તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ જુજવા ગામમાં આઈ.પી.ગાંધી હાઈસ્કૂલ ખાતે વલસાડ ગ્રામ્ય મામલતદારની ઉપસ્થિતિમાં યોજાશે. પારડી તાલુકો કક્ષાનો કાર્યક્રમ મામલતદારની ઉપસ્થિતિમાં અંબાચની બી.કે.એમ. સેકન્ડરી અને પરીખ અઢીયા ચેરીટેબલ ટ્રસ્ટ હાયર સેકન્ડરી સાર્વજનિક સ્કૂલમાં યોજાશે. ઉમરગામ તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદારની ઉપસ્થિતિમાં ભીલાડની શ્રી સ્વામીનારાયણ હાઈસ્કૂલ ખાતે યોજાનાર છે. વાપી તાલુકા કક્ષાનો કાર્યક્રમ વાપી ગ્રામ્ય નાયબ મામલતદારની ઉપસ્થિતિમાં રાતાની સારસ્વત ઈન્ટરનેશનલ સ્કૂલ ખાતે યોજાશે. ધરમપુર તાલુકા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ મામલતદારની ઉપસ્થિતિમાં બિલપુડી ગામમાં નિશાળ ફળિયા ખાતે પ્રાથમિક શાળામાં યોજાશે. કપરાડા તાલુકા કક્ષાનો કાર્યક્રમ મામલતદારની ઉપસ્થિતિમાં દહીંખેડ ગામની પ્રાથમિક શાળામાં યોજાશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણી અન્વયે આ કાર્યક્રમમાં પધારવા જિલ્લા તેમજ તમામ તાલુકા વહીવટી તંત્ર દ્વારા જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 

માહિતી બ્યુરો. વલસાડ તા. ૨૫ જાન્યુઆરી 

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top