કપરાડાના નાનાપોંઢા ખાતે બીરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ.

SB KHERGAM
0

 


કપરાડાના નાનાપોંઢા ખાતે બીરસા મુંડાની જન્મ જયંતી નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સાથે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ.

વલસાડ જિલ્લામાં કપરાડાના  નાનાપોંઢા ખાતેથી નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે બિરસા મુંડાની ૧૪૮મી જન્મજયંતિ નિમિત્તે જનજાતિય ગૌરવ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી સાથે જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ કરાવાયો.

     પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશને એક તાંતણે બાંધી સંપૂર્ણ વિકાસ થાય, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં સરકારની દરેક યોજનાઓનો સંપૂર્ણ રીતે અમલ થાય, દરેકને લાભો અને જાણકારી મળે તે માટે આઝાદીની લડતમાં શહીદી વહોરી અને આદિવાસીઓના કલ્યાણ માટે અનેક કાર્યો કરનાર ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાની ૧૪૮મી જન્મજયંતિ ‘જનજાતિય ગૌરવ દિવસ’ નિમિત્તે સમગ્ર ભારતમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે એમ જણાવતાં મંત્રીશ્રીએ કહ્યું હતું કે, સામાન્ય નાગરિકને અનેકવિધ યોજનાઓનો સંપૂર્ણ લાભ મળે એ પ્રધામંત્રીશ્રીનું સ્વપ્ન છે. વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા પ્રધાનમંત્રીશ્રીએ તમામ તૈયારીઓ કરી છે ત્યારે, આપણે સારા અને કર્તવ્યનિષ્ઠ નાગરિક તરીકે ફરજો બજાવી ભારત ઊંચાઈઓ સર કરે એમા ભાગીદાર બનીશું. વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સરકારે આદિવાસીઓના વિકાસ માટે યોજનાઓ જેવી કે વન કલ્યાણ યોજના, જનધન યોજના, સાગરખેડૂ જેવી અનેકવિધ યોજનાઓ બનાવી છે. આદિવાસી કલ્યાણ ખાતું પણ તત્કાલીન પ્રધાનમંત્રીશ્રી સ્વ.અટલબિહારી બાજપાઈએ જ લાગુ કર્યું હતું. બજેટના સંપૂર્ણ વપરાશ દ્વારા નાગરિકોને લાભ મળે એ ધ્યેય છે. 


      મંત્રીશ્રીએ નાગરિકોને અપીલ કરી હતી કે, અખંડ ભારતના રચયિતા સરદાર પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટી દ્વારા સૌથી મોટી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તેથી અખંડ ભારતને ટકાવી રાખવાની જવાબદારી આપણી છે.

      કાર્યક્રમમાં સૌએ ઝારખંડથી પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમનું સીધું પ્રસારણ નીહાળ્યું હતુ. ગરીબ કલ્યાણ અન્ન યોજના અને સંકલિત ડેરી વિકાસ યોજનાના મહિલા લાભાર્થીઓએ પોતાની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. મંત્રીશ્રીના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીને આવાસની ચાવી, દિવ્યાંગ લાભાર્થીને દિવ્યાંગ કીટ તેમજ સફળતાપૂર્વક ખેતી માટે ખેડૂત અને ખેલ મહાકુંભમાં વિજેતા રમતવીરોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું.

     કાર્યક્રમ સ્થળે ગ્રામીણ કક્ષાએ ૧૭ અને ટ્રાઇબલ તાલુકામાં વધારાની પાંચ યોજનાઓના કુલ ૧૯ સ્ટોલ દ્વારા નાગરિકોને આ યોજનાઓની જાણકારી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી કરવામાં આવી. મંત્રીશ્રીએ દરેક સ્ટોલની વિઝિટ લઇ માહિતી મેળવી હતી.

      સાંસદ ડો. કે. સી. પટેલ, કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી અને ઉમરગામ ધારાસભ્ય રમણલાલ પાટકરે જનજાતિય ગૌરવ દિવસની ઉજવણીના અભિનંદન આપી પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા.


        કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડ, ઉમરગામ ધારાસભ્યો સર્વશ્રી ભરતભાઈ પટેલ, રમણલાલ પાટકર, મિનિસ્ટ્રી ઓફ જળશક્તિના ડાયરેક્ટર લોકેશકુમાર જૈન, તાલુકા પંચાયત પ્રમુખ હીરાબેન માહલા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કે. કે. પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, સંગઠન મહામંત્રી શિલ્પેશ દેસાઈ, સંગઠન અધ્યક્ષ કેતનભાઈ પટેલ, તાલુકા વિકાસ અધિકારી એચ. એસ. બારોટ, વિવિધ સંબંધિત વિભાગોના અધિકારી કર્મચારીઓ, લાભાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

૨૦૪૭ સુધીમાં વિકસિત ભારત બનાવવા માટે વિકસિત ભારત પ્રતિજ્ઞા

      “અમારો સંકલ્પ વિકસિત ભારત-અમે સંકલ્પ લઈએ છીએ કે, ભારતને ૨૦૪૭ સુધી આત્મનિર્ભર અને વિકસિત રાષ્ટ્ર બનાવવાના સ્વપ્નને સાકાર કરીશું. ગુલામીની માનસિકતાને મૂળમાંથી ઉખાડી નાખીશું. દેશના સમૃદ્ધ વારસા પર ગર્વ  કરીશું, દેશની એકતાને સુદ્ધઢ કરીશું, દેશની રક્ષા કરનારાઓનો આદર કરીશું, નાગરિક હોવાનું કર્તવ્ય નિભાવીશું.“

વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને મંત્રીશ્રીએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યો

જીલ્લાના પાંચેય તાલુકામાં કુલ ૩૮૫ ગ્રામ પંચાયતોમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારને અનેકવિધ ફ્લેગશીપ યોજનાની જાણકારી આપી લાભો આપવામાં આવશે..

Courtesy : info valsad GOG

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top