આજના બાળકો ભવિષ્યમાં શું બનવા ઈચ્છે છે?

SB KHERGAM
0

 

આજના બાળકો ભવિષ્યમાં શું બનવા ઈચ્છે છે?

કારકિર્દી માર્ગદર્શનનો તાસ લેતી વખતે એક શિક્ષકે તેના વિદ્યાર્થીઓને પ્રશ્ન કર્યો કે મોટા થઈને તમે બધા શું બનવા ઈચ્છો છો? આખો દિવસ બોલબેટ ટીચતા કેટલાક વિદ્યાર્થીઓએ જવાબ આપ્યો કે હું ક્રિકેટર બનવા ઇચ્છું છું, ભવિષ્યમાં આઈ.પી. એલ. રમીશ, ટી - ૨૦ ૨મીશ, દેશ-વિદેશમાં રમવા જઈશ, મોટી જાહેરાતો કરીશ, ખૂબ પૈસા કમાઈશ. 

ચિત્રકલામાં રસ ધરાવતા કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું કે હું ફેશન ડિઝાઈનર બનીશ, મોટા સ્ટાર માટે ડિઝાઇનર ડ્રેસનું આયોજન કરીશ, ફેશન શોમાં ભાગ લેવડાવીશ અને ખૂબ પૈસા કમાઈશ. 

આખા વર્ગ પર પોતાનો ધાક જમાવવા માંગતા કેટલાક બાળકોએ કહ્યું કે હું તો નેતા બનીશ, મને તો સરપંચ કે સભ્ય બનવાનું નહીં ફાવે, હું ધારાસભ્ય બનીશ, પછી સંસદ સભ્ય બનીશ, મંત્રી બનીશ અને દેશની સેવા કરવાની સાથે સાથે ખૂબ પૈસા પણ કમાઈશ.

એક ખૂણામાં બેઠેલા વણિકના દીકરાએ નવો ધંધો ખોલવાની ઈચ્છા વ્યક્ત કરી.હૃષ્ટપુષ્ટ શરીર ધરાવતા અને ખડતલ બાંધો ધરાવતા અમુક વિદ્યાર્થીઓએ દેશની સેનામાં જોડાવા માટેની ઈચ્છા વ્યક્ત કરી. 

તો વળી કેટલાક ભણેશરી બાળકોએ વિવિધ જાહેર પરીક્ષાઓની તૈયારી કરીને સરકારી નોકરીમાં જોડાવા માટેની ઈચ્છા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે સરકારી ખાતામાં મોટા અધિકારી બનવાથી સારો વટ પડે છે અને સાથે કમાવાનું તો ખરું જ. 

પ્રાર્થના અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા કેટલાક બાળકોએ સંગીતકાર અને ગાયક બનીને ફિલ્મોમાં કામ કરવાની અને ડાયરાઓ ગજવવા માટેની પોતાની ઈચ્છા જણાવી. ભણવામાં હોશિયાર એવી ઘણી બધી છોકરીઓએ ડોક્ટર બનવાની ઈચ્છા રજૂ કરી, તો તેજસ્વી વિદ્યાર્થી ભાઈઓએ કોમ્પ્યુટર એન્જિનિયર બનીને આઇટી ક્ષેત્રમાં કામ કરવાની અને લાખો રૂપિયાના પેકેજથી નોકરી મેળવવા માટેની પોતાની ઈચ્છા જણાવી. 

જોવા જેવી વાત એ હતી કે આ બાળકોમાંથી મોટાભાગના સામાન્ય પરિવારોમાંથી કે મધ્યમવર્ગમાંથી આવતા હતા, છતાં કોઈના પણ સપનાઓ નીચા ન હતા, એ જાણીને શિક્ષકને સંતોષ થયો. ત્રણ ચાર વિદ્યાર્થીઓએ સ્નાતક થઈને ભવિષ્યમાં પોતાના પિતાના વિકસાવેલા ધંધાને આગળ વધારવાની વાત કરી. કેટલાકે તો વિદેશ ભણવા જઈને ત્યાં જ સ્થાયી થવાની વાત કરી. 

કેટલાક બાળકો એ તો સોશિયલ મીડિયા પર સ્ટાર બનીને પૈસા કમાવવાની વાત કરી. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે આ વિદ્યાર્થીઓ પોતાના માતાપિતાના મોબાઈલનો ઉપયોગ કરીને નાના નાના વિડીયો બનાવીને, તેને વ્યુ અને લાઈક મેળવવાનો પ્રયત્ન વ્યુ કરતા હતા, તેની પાછળ રોજના ત્રણથી ચાર કલાકનો સમય ફાળવતા હતા અને પોતાના વર્ગના વિદ્યાર્થીઓનો સહયોગ મેળવવા માટે આજીજી કરતા હતા. આ બધા કાર્યો કરવા માટેનો સમય ખર્ચીને તેઓ સરવાળે પોતાના વર્તમાન અભ્યાસને અને કારકિર્દીને ગંભીર માઠી અસરો પહોંચાડી રહ્યા હતા. 

જ્યારે આખા એ વર્ગનો સર્વે પૂર્ણ થયો ત્યારે એ જાણીને શિક્ષકને નવાઈ લાગી કે એક પણ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શિક્ષણ ક્ષેત્રમાં આવવા માટેની ઈચ્છા વ્યક્ત કરી ન હતી. આના પરથી એક વાત એ પણ પ્રતિપાદિત થઈ કે શિક્ષણના ક્ષેત્રમાં આવવા માટે ભવિષ્યની પેઢી ઉત્સુક નથી. 

શું શિક્ષણ ક્ષેત્ર સાચે જ અપેક્ષિત ક્ષેત્ર બનતું જાય છે? ટીચિંગ લાઇન એ તેજસ્વી યુવાનોને આકર્ષવામાં નિષ્ફળ ગઈ છે? શું શિક્ષક કે પ્રાધ્યાપક તરીકે કારકિર્દી એ કેરિયરનો છેલ્લો અને નછૂટકે સ્વીકારવો પડતો વિકલ્પ છે? 

શું શિક્ષક બનવાનું કામ એટલું બધું કપરું છે? વાત વિચારવા લાયક છે. આવું શા માટે થઈ રહ્યું છે, તેના કારણોમાં પડવાને બદલે વાસ્તવિકતાને જાણવી, સંવેદવી ખૂબ જરૂરી છે. વિદ્યાર્થીઓની વિવિધ કારકિર્દીની પસંદગી તરફનો ઝોક એ સમાજને દિશા આપે છે, રાષ્ટ્રને દિશા આપે છે.

આજે શાળાઓમાં કારકિર્દી માર્ગદર્શન, એ વર્ષમાં એક બે વખત યોજાતા સેમીનારો કે વી.જી.ના તાસ પૂરતાં મર્યાદિત થઈ ગયા છે. માધ્યમિક કક્ષાએ વિદ્યાર્થીઓને કારકિર્દીના વિવિધ વિકલ્પો અંગે પૂરતી માહિતી મળી રહે, એ ખૂબ જરૂરી છે. 

એના વગર વિદ્યાર્થીઓના ભણતરની દિશા યોગ્ય રીતે પકડાતી નથી. જે રીતે દિશા ભૂલેલું વહાણ મહાસાગરમાં અથડાઈને નાશ પામે છે, એ જ રીતે દિશાવિહીન વિદ્યાર્થી કે યુવાનની કારકિર્દી કોઈ ચોક્કસ લક્ષ્ય પર પહોંચવામાં નિષ્ફળ જાય છે અને છેવટે પોતાને મળેલી કારકિર્દીને જ સ્વીકારીને સંતોષ માનવો પડે છે. તેર ચૌદ વર્ષની ઉંમરે વિદ્યાર્થીઓ સમક્ષ રોજગારી માટેના વિવિધ વિકલ્પો અને કારકિર્દી માટે જરૂરી અભ્યાસની તકો અંગે પુષ્કળ પ્રમાણમાં માહિતી અપાવી જોઈએ.

જ્યારે કારકિર્દી પસંદ કરવાની વાત આવે ત્યારે એક વાત વિદ્યાર્થીઓને ચોક્કસ કહેવાવી જોઈએ કે કોઈપણ વ્યવસાય નાનો કે મોટો હોતો નથી. કોઈ વ્યવસાય સ્વાભાવિક પણે સત્તા, સંપત્તિ કે કીર્તિ વધારે અપાવે, પરંતુ તેના કારણે એ જ વ્યક્તિ મોટો અને બાકીની વ્યક્તિઓ નીચી ગણાય એવું નથી. દરેક વ્યવસાયની પોતાની એક ગરિમા છે અને દરેક વ્યક્તિને પોતાની આવડત, પોતાના કૌશલ્ય, પોતાના રસરુચિ પ્રમાણે પોતાનો ધંધો કરવાની, વ્યવસાય કરવાની, નોકરી કરવાની, રોજગારી મેળવવાની અને જીવન ચલાવવાની સ્વતંત્રતા છે. 

આજે ટેલિવિઝન, અખબાર, સામયિક અને સૌથી વધારે સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા સેલિબ્રિટીઓનો યુગ ચાલી રહ્યો છે. દરેક બાળકે પોતે પ્રસિદ્ધ થવું છે. અનેક લોકો પોતાને જાણતા હોય એવી તમન્ના વિદ્યાર્થીઓ ધરાવતા થયા છે અને પ્રસિદ્ધ મેળવવા માટે તેઓ જાત જાતના પેંતરા પણ રચતા હોય છે. રાષ્ટ્રના વિકાસ માટે દરેક વ્યવસાયની અનિવાર્ય જરૂરિયાત છે જ. 

જેટલી શિક્ષકની જરૂર છે તેટલી સૈનિકની જરૂર છે. જેટલી ક્રિકેટરની જરૂર છે તેટલી જ ઉદ્યોગપતિઓની પણ જરૂર છે. જેટલી એન્જિનિયરની જરૂર છે તેટલી જ કારીગરની પણ જરૂર છે. મજૂર પણ જોઈએ અને માલિક પણ જોઈએ, તો જ દેશનો સર્વાંગી વિકાસ થઈ શકશે. જો કોઈ જ વ્યક્તિ મજૂરી કરવા તૈયાર ન થાય તો શ્રમદાન વગર રાષ્ટ્રનો વિકાસ કેવી રીતે શક્ય બનશે? 

જો કોઈ જ ખેતી કરવા તૈયાર ન થાય તો આપણે શું ખાઈને જીવી શકીશું ? આજે દેશને સૌથી વધારે નુકસાન જો કોઈએ પહોંચાડ્યું હોય તો એ છે દરેક વ્યવસાયમાં પરાણે આવી પડેલા વ્યક્તિઓએ પોતાની ઈચ્છા મુજબના વ્યવસાયમાં જગ્યા ન મેળવી શકવાને કારણે કે તક ન મળવાને કારણે નછૂટકે બીજા વ્યવસાયમાં જઈ ચડેલી વ્યક્તિઓ ત્યાં મન લગાવીને કામ કરી શકતી નથી અને સરવાળે જે તે ક્ષેત્રની અંદર પોતાના કામમાં ગુણવત્તા બતાવી શકતી નથી, 

પોતાનું અસ્તિત્વ તો કોઈ પણ રીતે તે ટકાવી શકે છે પરંતુ હૈયુ રડીને કામ ન કરી શકવાને કારણે તે વ્યવસાયને ભારોભાર નુકસાન થાય છે. યોગ્ય વ્યક્તિ યોગ્ય સ્થાનને પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થા ઉભી કરવાની રાષ્ટ્રની જવાબદારી છે.!!!

કી-પોઈન્ટ

દરેક ક્ષેત્રના પંદરથી વીસ રોલ મોડેલ વ્યક્તિત્વો શોધીને તેમના વિશે વિસ્તૃત માહિતી વિદ્યાર્થીઓને આપવાનું કર્તવ્ય શાળા અને શિક્ષકોનું છે. 

માહિતી સ્રોત : ગુજરાત ગાર્ડિયન, કોલમ- શિક્ષણ ચર્ચા (લેખ - અશ્વિન પટેલ)

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top