વિજ્ઞાનની શોધ વિના આ વિશ્વ કેવું હોત?

SB KHERGAM
0

            આજે સરહદો પર દુશ્મનોની સુરંગોને શોધી કાઢીને ઉડાડી દેવામાં આપણાં જવાનોને વિજ્ઞાન જ મદદરૂપ થાય છે. વિજ્ઞાન દુશ્મનોનાં બંકરો શોધી તેને નાબૂદ કરે છે તો આપણા સૈનિકો માટે નવા બંકરો ઊભા કરે છે. એટલે કે સુરક્ષા અને શસ્ત્ર સરંજામમાં પણ વિજ્ઞાન છે. યુદ્ધ માટેના જહાજો અને લડાકુ વિમાનો એ પણ વિજ્ઞાનની જ તો દેન છે. જો આ વિજ્ઞાન ન હોત તો શું થાત એ કલ્પના બહારનો વિષય છે.

વિજ્ઞાનની શોધ વિના આ વિશ્વ કેવું હોત? 

      આ વિશ્વના અનેક રંગો છે. અહીં લીલી વનરાજી છે, તો ભુરું આકાશ છે. અહીં સૂર રેલાવતું સંગીત છે તો ન સાંભળવા ગમતો ઘોંઘાટ પણ છે. અહીં સદીઓથી સંગ્રહાયેલો ઈતિહાસ છે, કુદરતને જોઈને લખાતી કવિતા છે તો કવિતા લખતાં કવિતાઓ પણ છે અને આખા વિશ્વને ચલાવતા આપણા ઈષ્ટ દેવ તેમણે બનાવેલા આ વિશ્વમાં ઘણું બધું છે, જે કુદરતી છે અને બાકીનું છે તે માનવીની શોધ છે અને એ શોધોમાં એક અનેરી શોધ છે વિજ્ઞાન. 

       આજે તો વિશ્વ વિજ્ઞાન પર જ ચાલે છે. આજે વિજ્ઞાન જ આપણું વિશ્વ બની ગયું છે. જરા વિચારો કે પ્રકાશ વિનાનો સૂર્ય કેવો લાગે? ઝગમગતા તારા વિનાનું આકાશ કેવું? વૃક્ષો વિનાની ધરતી કેવી? પર્ણો વિનાના વૃક્ષો કેવા અને રંગો વિનાના ફૂલે કેવાં લાગે? તો પછી વિજ્ઞાન વિનાનું વિશ્વ કેવું લાગશે? 

             વિજ્ઞાનની પહોંચ જોઈએ તો રોજબરોજ પહેરાતા વિવિધરંગી પોષાક, ગગનચુંબી ઈમારતો, બસ, ટ્રેન અને હવે તો પ્લેન અને જેટપ્લેન આદિમાનવથી લઈ આધુનિક માનવી સુધીની સફરનું શ્રેય કોને જાય? વિજ્ઞાનને જ તો, સાઈકલ પર જતા લોકો હવે સ્પેસ સુધીની સફર કરી શકે છે, ચંદ્ર પર ઉતરી શકે છે. મોબાઈલ, કમ્પ્યુટર, ઈન્ટરનેટ, મલ્ટીપ્લેક્સ આ બધું કોના વિકાસનું પરિણામ છે? વિજ્ઞાનનું જ તો. તો પછી આપણે જો આ વિશ્વની કલ્પના વિજ્ઞાનનીબાદબાકી કરીને કરીએ તો શું થાય એ જઈએ. આપણા વૈજ્ઞાનિકોએ આ વિજ્ઞાન અને


      ટેક્નોલજી વિશે જે શોધ કરી છે, એનાથી દેશ- દુનિયાને ખૂબ જ ફાયદો થયો છે અને હજુ પણ તેમની વિવિધ શોધ ચાલુ જ છે. એ સૌની મહેનતને પરિણામે જગતને આ વિજ્ઞાન વિશ્વ મળ્યું છે. આ વિજ્ઞાન વિના વિશ્વ કેવું હશે તે જાણવા માટે આપણે વિજ્ઞાન આપણી સાથે ક્યાં ક્યાં સંગળાયેલું છે તેની વાત કરીએ. 

         સવારે ઉઠતાની સાથે કરવામાં આવતું બ્રશ, ટૂથપ્રેસ્ટમાં, ન્હાવા જઈએ તો વોટર હીટરમાં વિજ્ઞાન, રસોઈ બનાવતાં વપરાતાં પ્રેશરકૂકરમાં વિજ્ઞાન, ઘરમાં પીવાના પાણીના આરઓ પ્લાનમાં પણ વિજ્ઞાન છે. બાળકોની વાત કરીએ તો   એમની નોટબુક,પેન્સિલ, બોલપેનમાં પણ વિજ્ઞાન છે. મોબાઈલ પર વાત કરવી છે તો વિજ્ઞાન, સ્કૂલે જવું છે, ઘડિયાળમાં સમય થઈ ગયો છે તો વિજ્ઞાન. સ્કૂલમાં ક્લાસરૂમનાં સ્પીકર ઉપર સંભળાતી પ્રાર્થના, વર્ગમાં ફરતાં પંખા, કોમ્પુટર બધું વિજ્ઞાનની શોધ છે. 

       તમે વિચારો કે સવારે ઉઠીએ ત્યાંથી આખો દિવસ જ્યાં જઈએ, જે પ્રવૃત્તિ કરીએ એ બધા સાથે વિજ્ઞાન સંકળાયેલું છે. આ વિજ્ઞાન ન હોય તો નહાવાથી માંડીને, સ્કૂલ જવું, ભણવું, હોસ્પિટલમાં ઓપરેશન કરવું આ બધું વિજ્ઞાન વિના તો કેવી રીતે શક્ય બને? આ વિજ્ઞાન તો અલાદીનના જાદુઈ ચિરાગ જેવું છે. શિક્ષણમાં વિજ્ઞાન ન હોય તો કેલ્યુલેટર, કમ્પ્યુટર કે પ્રોજેક્ટર પણ ન હોય. મોબાઈલ અને ઈન્ટરનેટ પણ ન હોય. 

         કોરોના કાળમાં વિદ્યાર્થીઓને ઘરે બેસીને ભણવા માટે વિજ્ઞાન જ આર્શીવાદરૂપ સાબિત થયું હતું અને આ જ કોરોનાકાળમાં નોકરિયાતો માટે વર્ક ફ્રોમ હોમનો નવો ટ્રેન્ડ પણ વિજ્ઞાનની શોધને કારણે જ સફળ રહ્યો. નોકરી કરતાં લોકોને કોન્ફરન્સ કોલ કરવા હોય, મેઈલ કરવા હોય, વિડીઓ કોલ કરવા હોય તેમાં વિજ્ઞાન જ મદદરૂપ થાય છે. દૂર દેશમાં બેઠેલા લોકો સાથે અહીં બેઠેલા લોકો ઓનલાઈન વેપાર કરી શકે છે એ પણ વિજ્ઞાન પર જ આધારિત કે... છે. એ વિના આ ડિસ્ટન્સ બિઝનેસ શક્ય નહોતો.

      આજે ખેતીવાડીમાં પણ વિજ્ઞાન ન હોય તો અવનવા રોગ સામેની દવા, વધારે પાક આપતા ખાતરનો ઉપયોગ કરવાનું શક્ય ન બને! ખેતરમાં તૈયાર થયેલા પાકને આધુનિક સાધનો વડે કાપી પાક તૈયાર ન કરી શકાય. વિજ્ઞાન ન હોય તો વિવિધ નદીઓના પાણી સિંચાઈ દ્વારા વિવિધ રાજ્યોમાં પહોંચાડી જ ન શકાય. ઉદ્યોગોનો વિકાસ વિજ્ઞાન વિના સાવ અધૂરા વિચારો છે. પ્લાસ્ટિક, કેમિકલ અને સ્ટીલના કારખાના પણ વિજ્ઞાનની દેન છે.

       એમપી-૩ અને મોબાઈલ, ડીવીડી, ઈન્ટરનેટ નવા ચેનલોની વણઝાર, ઓટીટી સહિતની મનોરંજનની સ્નેક ચીજવસ્તુઓ માત્ર વિજ્ઞાનને કારણે જ અસ્તિત્વમાં આવી છે. વિજ્ઞાનને કારણે ટીવી પર જે આવે તે જોવું એમ નહીં, પરંતુ જે ગમે તે તમે જોઈ શકો. તમે દુનિયાના કોઈ પણ ખૂણે ફરતા હો ત્યારે આ વિજ્ઞાનને કારણે જ તમને સરળતાથી જીપીએસ દ્વારા જે-તે સ્થળ વિશે માહિતી મળી જાય છે. સંદેશા વ્યવહાર હોય કે વાહનવ્યવહાર બધામાં જ વિજ્ઞાને કમાલ કરી છે. હવે બળદગાળા અને સાયકલને સ્થાને લક્ઝરી કોચ, ટ્રેન, પ્લેન વગેરે પળવારમાં માણસને ધારે ત્યાં પહોંચાડી શકે છે.

      આજે સરહદો પર દુશ્મનોની સુરંગોને શોધી કાઢીને ઉડાડી દેવામાં આપણાં જવાનોને વિજ્ઞાન જ મદદરૂપ થાય છે. વિજ્ઞાન દુશ્મનોનાં બંકરો શોધી તેને નાબૂદ કરે છે તો આપણા સૈનિકો માટે નવા બંકરો ઊભા કરે છે. એટલે કે સુરક્ષા અને શસ્ત્ર સરંજામમાં પણ વિજ્ઞાન છે. યુદ્ધ માટેના જહાજો અને લડાકુ વિમાનો એ પણ વિજ્ઞાનની જ તો દેન છે. જો આ વિજ્ઞાન ન હોત તો શું થાત એ કલ્પના બહારનો વિષય છે!

      વિજ્ઞાનનો સૌથી વધુ ફાયદો કોઈ ક્ષેત્રમાં થયો હોય તો તે મેડિકલ ક્ષેત્ર છે. વિજ્ઞાનન હોત તો લેસરથી ચશ્માના નંબર ઉતારવા, લેપ્રોસ્કોપીથી ઓપરેશન કરવા, પ્લાસ્ટિક સર્જરી, કીડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટ, ડાયાલિસિસ આ બધું કઈ રીતે શક્ય બનત? આ વિજ્ઞાન છે તે નિદાન પણ કરે છે અને ઉપચાર પણ કરે છે. અશક્ત ને સશક્ત અને રોગીને નિરોગી બનાવે છે. એટલે એ દૃષ્ટિએ વિજ્ઞાન માનવીને મળેલા ઈશ્વરના આશીર્વાદ રૂપ જ છે.

        મિત્રો વિજ્ઞાન છે તો જ આખું વિશ્વ છે. વિજ્ઞાન વિનાના વિશ્વની કલ્પના અશક્ય છે. જન્મથી વૃદ્ધત્વ સુધી માનવીને સાચવતા વિજ્ઞાન વિના આપણે આપણી જીંદગીની કલ્પના જ ન કરી શકીએ. આવા વિજ્ઞાન વિનાનું વિશ્વ એટલે આત્મા વિનાનું શરીર, ઉંચાઈ વિનાનો પર્વત અને દેવ વિનાનું મંદિર. તો આ વિજ્ઞાનનો વિવેક અને સંયમથી ઉપયોગ કરીએ અને જીવનને વધુ સુંદર અને સરળ બનાવીએ. –

સ્રોત : ગુજરાત ગાર્ડિયન (ચારુ નાયક)

Post a Comment

0 Comments
Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !
To Top